
ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા. 26 થી 29 નવેમ્બર-2025 દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસે જશે. જેમાં આ સમિતિ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત આવતી યોજનાઓની મુલાકાત કરીને સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી અંગે સમીક્ષા બેઠક કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ તા. 26 અને 27ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રિય અધિકારીઓ સાથે બેઠક કરશે. જ્યારે આ સમિતિ તા. 27ના રોજ પોશીના જૂથ યોજનાના બાવળ કાઠીયા હેડવર્કસ, દેવની મોરી હેડવર્કસ તથા તા. 28ના રોજ મોડાસામાં ગોઠીબ પાણી પુરવઠા યોજના, ઝાલોદ નોર્થ જૂથ પાણી પુરવઠા યોજના તેમજ મુંડાહેડા હેડવર્કસ-પાણી પુરવઠા યોજનાની મુલાકાત કરશે. પ્રવાસના અંતિમ દિવસ તા. 29 નવેમ્બરના રોજ દાહોદ ખાતે હેડવર્કસની મુલાકાતે જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ