
રાજપીપલા, 24 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય એકતા પ્રતિમા તરીકે વિશ્વમાં ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈપટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા 26 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઉજવાશે. આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર@150 યુનિટી માર્ચને ગુજરાત સરકારના પાણી- પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડો દર્શના દેશમુખે લીલીઝંડી આપી પદયાત્રાનું ભદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ વેળાએ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે 562 જેટલા
દેશી રજવાડાઓને એકત્ર કરીને ભારતીય સંઘમાં ભેગા કરવાનું મહાન કાર્ય કર્યું હતું, જેના કારણે દેશનું એકીકરણ થયું છે. તેઓએ આઝાદીની લડતમાં અગ્રેસર રહ્યા હતા અને ખેડા, બોરસદ અને બારડોલી ખાતેના સત્યાગ્રહોનું સફળ નેતૃત્વ કર્યું હતું. અને બારડોલી સત્યાગ્રહ દરમિયાન જ તેમને સરદાર તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું હતું.
વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી
પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, જેને જોવા માટે દેશ-વિદેશમાંથી અનેક લોકો આવે છે. સરદાર સાહેબને એવા મહામાનવ તરીકે યાદ કરવામાં આવ્યા છે જેમણે આઝાદીથી લઈને દેશના એકીકરણ સુધી ખૂબ ઉમદા કામગીરી કરી છે.
આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ,
ભદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઇને હજરપુરા ગામે પૂર્ણાહૂતિ થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો-પોસ્ટરો દ્વારા યુનિટી માર્ચનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ