
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : બાબરા શહેરમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં કુલ રૂ. 3.70 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત સોમવારે સંપન્ન થયું. શહેરના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે હાથ ધરાયેલા આ કાર્યોમાં આંતરિક રસ્તાઓનું સુધારણું, ડ્રેનેજ સુવિધાઓ, પાણી વ્યવસ્થા અને જાહેર સુવિધાઓના વિસ્તરણ જેવા કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સાંસદ ભરત સુતારિયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જનકભાઈ તાલાવીયા તેમજ શહેરના અનેક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા. તમામ આગેવાનોએ બાબરના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી અને આગામી દિવસોમાં વધુ વિકાસકાર્યો હાથ ધરાશે તેવી માહિતી આપી.
મંત્રીએ જણાવ્યું કે બાબરા શહેરના નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતા અડગ છે અને આ કાર્યો પૂર્ણ થતા શહેરની જીવનશૈલીમાં મહત્ત્વનો સુધારો થશે. નાગરિકોએ પણ આ કામગીરીને વિકાસના નવા યુગની શરૂઆત ગણાવી આનંદ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai