અમરેલી વિધાનસભામાં SIR અભિયાનની મંત્રી કૌશિક વેકારિયાની સમીક્ષા: “મતદાર યાદીમાં તમારું નામ ચોક્સાઈથી નોંધાવો”
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત અમરેલી વિધાનસભાના બૂથ નં. 227 થી 235 સુધીની કામગીરીનું મંત્રી કૌશિક વેકારિયાએ સ્થળ પર જઈ વાસ્તવિક નિરીક્ષણ કર્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાર યાદીને વધ
અમરેલી વિધાનસભામાં SIR અભિયાનની મંત્રી કૌશિક વેકારિયાની સમીક્ષા: “મતદાર યાદીમાં તમારું નામ ચોક્સાઈથી નોંધાવો”


અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત અમરેલી વિધાનસભાના બૂથ નં. 227 થી 235 સુધીની કામગીરીનું મંત્રી કૌશિક વેકારિયાએ સ્થળ પર જઈ વાસ્તવિક નિરીક્ષણ કર્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાર યાદીને વધુ સચોટ, અપડેટ અને ભૂલમુક્ત બનાવવાનો છે, જેથી દરેક પાત્ર નાગરિક લોકશાહી પ્રક્રિયામાં નિર્વિઘ્ને ભાગ લઈ શકે.

મંત્રીએ તમામ બૂથોની મુલાકાત લઈ BLO અને BLA કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો અને મતદાર યાદી સુધારણા અંગે જનતા કેવા પ્રતિભાવ આપી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે કર્મચારીઓના કાર્યને બિરદાવી અને વધુ પારદર્શિતા તથા સચોટતા સાથે કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા.

મંત્રીએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત મૂલ્યવાન છે. મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે કોઈ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે, તે અનિવાર્ય છે. ખાસ કરીને નવા મતદારો, સરનામું બદલનારાઓ તથા ભૂલ સુધારણા ઈચ્છતા નાગરિકોને સક્રિયપણે SIR અભિયાનનો લાભ લેવા અનુરોધ કર્યો.

આ અભિયાન દરમિયાન નાગરિકોને જન્મતારીખ, સરનામું, ઓળખ અને અન્ય જરૂરી વિગતો ચકાસીને સાચી એન્ટ્રી કરવાની સમજ આપવામાં આવી રહી છે. મંત્રીએ ગામજનો અને શહેરના નાગરિકોને પણ સંદેશ આપ્યો કે “લોકશાહી મજબૂત બનાવવા માટે મતદાર યાદી સુધારણા પ્રથમ પગલું છે, તેથી દરેકે આ પ્રક્રિયામાં સહભાગી થવું જરૂરી છે.”

મંત્રીએ અંતે નાગરિકોને વિનંતી કરી કે તેઓ પોતાના પરિવારજનો અને પડોશીઓને પણ આ અભિયાન અંગે માહિતગાર કરે અને સમયસર તેમની વિગતો મતદાર યાદીમાં દાખલ કરાવે, જેથી આવનારા ચૂંટણી પ્રસંગે કોઈ પણ નાગરિક મતદાનથી વંચિત ન રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande