
અમદાવાદ,24 નવેમ્બર (હિ.સ.) હવામાન વિભાગ પ્રમાણે રાજ્યનું સૌથી ઠંડુ શહેર 11.6 ડિગ્રી સાથે નલિયા રહ્યું. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. નવેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહિવત્ છે. જો કે, આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. કારણ કે, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. જે બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.
રાજ્યમાં નલિયા 11.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર જોવા મળી રહી છે, જ્યારે બપોરના ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસો ખુબ જ ઠંડા રહે તેવી શક્યતા છે. જો આગામી દિવસોમાં પવનોની દિશા સ્થિર થશે તો ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ