
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : લાઠી વિધાનસભાના ચાવંડ ગામે ચાલી રહેલા SIR (Special Intensive Revision) અભિયાનની કામગીરી નિહાળવા ખાસ મુલાકાત યોજાઈ. બુથ નંબર 131 પર મતદાર યાદી સુધારણા તથા નાગરિકોની વિગતોનું સત્યાપન કાર્ય ચાલી રહ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતારિયા ઉપસ્થિત રહી સમગ્ર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી અને અધિકારીઓ-કર્મચારીઓ સાથે સંવાદ કર્યો.
SIR અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદી વધુ સચોટ, સુધારેલી અને અપડેટ રાખવાનું છે, જેથી દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં સમાવી શકાય. સાંસદ સુતારિયાએ બુથ પર હાજર ટીમના કાર્યને બિરદાવી અને નાગરિકોને સમયસર પોતાની વિગતો ચકાસવા આગ્રહ કર્યો. તેમણે જણાવ્યું કે પ્રત્યેક નાગરિકનું લોકશાહી પ્રત્યેનું જાગૃતિભાવ જરૂરી છે, અને મતદાર યાદીમાં નામ ચોક્કસ રીતે નોંધાવવું લોકશાહીના પર્વમાં પ્રથમ પગથિયો છે.
ચાવંડ ગામના નાગરિકોએ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઘણા લોકોએ પોતાના જૂના સરનામા સુધાર્યા, નવા મતદારોનું નોંધણી કાર્ય પણ ચાલી રહ્યું હતું. ખાસ કરીને યુવાનોને મતદાર નોંધણી અંગે વધુ સચેત થવા માટે સાંસદે પ્રોત્સાહિત કર્યા.
અભિયાન દરમિયાન સાંસદે SIR ટીમને સૂચના આપી કે કોઇપણ નાગરિકને જરૂરી માર્ગદર્શન સરળતાથી મળે અને પ્રક્રિયા પારદર્શક રહે. સાથે જ તમામ નાગરિકોને વિનંતી કરી કે તેઓ પોતાના પરિવારજનો, પાડોશીઓ અને ગામજનોને પણ આ અભિયાનમાં ભાગ લેવા પ્રેરિત કરે.
આ રીતે ચાવંડ ગામે આજે SIR અભિયાન પ્રત્યે લોકજાગૃતિ તેમજ લોકશાહીમાં સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai