બગસરાના હીરા ઉદ્યોગમાં ત્રણ વર્ષથી મંદીનું ગાજતું વાદળ: 35માંથી માત્ર 15 કારખાનાં ચાલુ, કારીગરોની હાલત નાજુક
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના બગસરામાં હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. રશિયા–યુક્રેન યુદ્ધ, વૈશ્વિક માર્કેટમાં ઘટાડો અને કોરોના મહામારી બાદની આર્થિક મંદી મળીને અહીંના નાના અને મધ્યમ ઉદ્યોગો પર મોટો પ્રહ
બગસરાના હીરા ઉદ્યોગમાં ત્રણ વર્ષથી મંદીનું ગાજતું વાદળ: 35માંથી માત્ર 15 કારખાનાં ચાલુ, કારીગરોની હાલત નાજુક


અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના બગસરામાં હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. રશિયા–યુક્રેન યુદ્ધ, વૈશ્વિક માર્કેટમાં ઘટાડો અને કોરોના મહામારી બાદની આર્થિક મંદી મળીને અહીંના નાના અને મધ્યમ ઉદ્યોગો પર મોટો પ્રહાર કરી રહ્યા છે.

ત્રણ વર્ષ પહેલાં બગસરામાં કુલ 35 હીરા કારખાનાં કાર્યરત હતા, જ્યાં સેકડો કારીગરોને રોજગારી મળતી હતી. તે સમયમાં કારીગરોને પ્રતિદિન આશરે રૂ. 1000 જેટલી કમાણી થતી હતી. પરંતુ હાલની ગંભીર મંદીને કારણે કારખાનાઓ એક પછી એક બંધ થવાને કારણે હાલ માત્ર 15 કારખાનાં જ ચાલુ રહે્યા છે. કમાણીનો દર પણ ઘટીને પ્રતિદિન રૂ. 500 જેટલો જ રહ્યો છે, જેના કારણે કારીગરો આર્થિક રીતે પરેશાન બની રહ્યા છે.

હાલની પરિસ્થિતિને લઈને હીરા કારખાનાના પ્રમુખ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગમાં ભારે ઘટાડો આવ્યો છે. ખાસ કરીને રશિયા–યુક્રેન યુદ્ધનો સીધો પ્રભાવ કાચા હીરાની સપ્લાય અને રેટ પર પડ્યો છે. બીજી તરફ વેપારીઓને પણ નવા ઓર્ડર મળતા ઓછા થયા છે, જેના કારણે ઉત્પાદન ક્ષમતા અડધી થઈ ગઈ છે.

વર્ષો સુધી આ ઉદ્યોગ પર નિર્ભર રહેનાર કારીગરો હવે રોજગાર માટે અન્ય વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે. ઘણા કારીગરોએ મજૂરીમાં કામ કરવાનું શરૂ કર્યું છે તો કેટલાક શહેરોમાં સ્થળાંતર થયા છે.

પ્રવીણભાઈએ સરકાર અને ઉદ્યોગ મંત્રાલયને ખાસ ધ્યાન આપવા વિનંતી કરી છે, જેથી હીરા ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે સહાયરૂપ નીતિઓ, લોન સબસિડી અથવા માર્કેટ સહાય ઉપલબ્ધ કરાવી શકાય.

બગસરામાં હીરા ઉદ્યોગ એક સમયનો મુખ્ય રોજગાર સ્ત્રોત હતો, પરંતુ હાલની મંદીએ ઉદ્યોગ તથા કારીગરોના ભવિષ્ય ઉપર ગંભીર સવાલ ઉભા કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande