
સુરત, 24 નવેમ્બર (હિ.સ.) : સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ હળપતિ વાસ પાસે આવેલ એક જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. બાજુમાં આવેલ બે અલગ અલગ દુકાનમાં દિવાલોમાં બાકોરૂ પાડી તસ્કરો જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી અંદર ઘૂસ્યા હતા અને અંદાજિત દોઢથી બે કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીને સવારે ચોરીની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરતાં પુણા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હાલતો આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજી તરફ હજુ સુધી ચોરીનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.
બનાવની વિગત એવી છે કે પર્વત પાટિયા ખાતે આવેલ હળપતિ વાસ માં થનારામભાઇ ચૌધરી ભાવના જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત તારીખ 23/11/2025 ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં તેઓ જવેલર્સની દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ભાવના જવેલર્સને નિશાન બનાવી હતી.
તસ્કરોએ સૌથી પહેલા નાગણેચી જેન્સવેર નામની દુકાનમાં શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનની અંદર દિવાલમાં બકોરું પાડ્યું હતું. ત્યાંથી તેઓ શીતલ ફૂટવેર નામની દુકાનની અંદર ગયા હતા. જ્યાં પણ તેઓએ દિવાલમાં બાકોરૂ પાડી ભાવના જવેલર્સ ની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરો જ્વેલર્સની દુકાનમાંથી અલગ અલગ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે થનારામભાઇ ચૌધરી દુકાને જતા તેઓને ચોરીની જાણ થઈ હતી. જેથી તેઓએ આ મામલે પોલીસને જાણ કરતાં પુણા પોલીસની ટીમ અને પી.આઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે થનારામભાઇ ચૌધરીનું નિવેદન લઈ કેટલા રૂપિયાની ચોરી થઈ તેની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન અંદાજિત દોઢથી બે કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનો અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે.
તસ્કરોએ ચોરી કરતા પહેલા રેકી કરી હોવાની શક્યતા
આ બનાવવામાં આવતો પોલીસે જ્વેલર્સ તથા તેને આજુબાજુમાં આવેલ તમામ દુકાનો તથા આ વિસ્તારમાં આવેલ અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજ ની તપાસ શરૂ કરી છે. ચોરી કરનાર તસ્કરોએ બે અલગ અલગ દીવાલમાં બાકોરૂ પાડીને જવેલર્સ સુધી પહોંચ્યા હતા. જેના કારણે તસ્કરોએ અગાઉ આ જગ્યાએ રેકી કરી હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. જેથી હાલ તો પોલીસે ચોરીની સાથે સાથે આગળના દિવસોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે