ગીર સોમનાથ જિલ્લામાં ૪૯ ટીમ દ્વારા પાક નુકસાનીની સર્વે કામગીરી વેગવંતી બની
ગીર સોમનાથ 3 નવેમ્બર (હિ.સ.) : વાતાવરણમાં આવેલા પલટાથી કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ઊભી થયેલી પાક નુકસાનની પરિસ્થિતિને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૪૯ ટીમ દ્વારા


ગીર સોમનાથ 3 નવેમ્બર (હિ.સ.) : વાતાવરણમાં આવેલા પલટાથી કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ઊભી થયેલી પાક નુકસાનની પરિસ્થિતિને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સર્વે થઈ રહ્યો છે.

ખેતીવાડી વિભાગ દ્વારા વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા સહિત સમગ્ર જિલ્લાના છ તાલુકાઓને આવરી લઈ અને કૃષિ સંલગ્ન તમામ કર્મચારીઓની ૪૯ ટીમ બનાવી અને દ્વારા અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરીને વેગ આપતાં કોડીનારના ૬૧ ગામમાં, સૂત્રાપાડાના ૪૭ ગામમાં અને ઉનાના ૭૮ ગામમાં એમ ૧૦૦% સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે તાલાલાના ૩૫, વેરાવળના ૪૦ અને ગીરગઢડાના ૫૦ ગામમાં ૮૬% સર્વે પૂર્ણ થયો છે.

ઈન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી વિમલ પટેલના જણાવ્યાનુસાર છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં દસ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જિલ્લાના ૩૪૫ ગામોના ખેડૂતોને મગફળી, સોયાબીન અને કપાસ થઈ કુલ ૧,૪૬,૩૬૪ હેક્ટરમાં અસર પહોંચી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ૪૯ ટીમના માધ્યમથી કૃષિ સંલગ્ન ૧૦૦ થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે.

આ સાથે જ તાલુકા કક્ષાએ ક્લાસ-૧ અને ક્લાસ-૨ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આમ ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરી આજ સાંજ સુધીમાં પૂરી થશે. એમ એમણે વધુમાં ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુના ૧,૫૩,૨૪૩ હેક્ટરમાં કુલ વાવેતર કરાયું છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ગ્રામસેવકો દ્વારા મુલાકાત લઈ અને ખેડૂતોને થયેલી નુકશાની અંગે પાકની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ એકત્રિત માહિતીનો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande