
ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. તાજેતરમાં મંત્રીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અને પાક નુકસાનની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જગતના તાત પર આવી પડેલી આ કુદરતી આફતમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગ દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની ઝડપી કામગીરી પ્રત્યે ખેડૂત વનરાજભાઈ પરમારે સંતોષ વ્યક્ત કર્યો હતો.
વેરાવળ તાલુકાના કાજલી ગામના પરમાર વનરાજ ખામાભાઈએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જગતના તાત પ્રત્યે સંવેદના દાખવી સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરી એ ખેડૂતો માટે આનંદની વાત છે. સરકારે ખેડૂતોને ઘણી મદદ કરી છે અને હાલના સમયમાં પણ સરકાર ખેડૂતો પર ખાસ ધ્યાન આપી અને મદદ કરે એવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, ધરતીપુત્રોનું સર્વોચ્ચ હિત લક્ષ્યમાં રાખીને સરકાર કામગીરી કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા જાહેર રજાના દિવસે પણ ૪૯ ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી રોજકામ સાથે વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકામાં ૧૦૦% સર્વે પૂર્ણ કરાયો છે અને બાકીના તાલુકાઓમાં પણ ઝડપથી સર્વે પૂરો કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ