
અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : અમરેલી તાલુકાના છાપરી ગામે દુઃખદ અકસ્માતની ઘટના બની છે. ગામના રહેવાસી મુકેશભાઈ સામતભાઈ વાઘેલા (ઉંમર 30)ના જણાવ્યા મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે મોટરસાયકલ પર બેઠા ખેતીકામ માટે પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં બાઈકનું પેટ્રોલ સમાપ્ત થઈ જતા તેઓ મોટરસાયકલ દોરીને પગપાળા આગળ વધી રહ્યા હતા, જ્યારે તેમની પાછળ બાળકો ચાલતા હતા. એ દરમિયાન ઝડપથી આવતા એક અજાણ્યા વાહનચાલકે અચાનક તેમના સાત વર્ષના દીકરાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના ઝટકાથી બાળક રસ્તા કિનારે ખાળીયામાં પડી ગયો હતો અને તેના માથાના પાછળના ભાગે આશરે આઠ ટાંકાની ગંભીર ઇજા થઈ હતી. ઘટનાથી બાદ ઘાયલ બાળક અને તેના પિતાને ફોર વ્હીલ ચાલકે વિજપડી ગામે ઉતારી નાસી ગયો હતો. પરિવારે તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસને જાણ થતાં અકસ્માત અંગે ગુનો નોંધાયો છે અને ફરાર વાહનચાલકની શોધ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai