
પાટણ, 5 નવેમ્બર (હિ.સ.) પાટણના દામાજીરાવ બાગમાં આવેલ 250 વર્ષ જૂનું છત્રપતેશ્વર મંદિર, જ્યાં સમગ્ર શિવ પરિવાર સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન છે, તે મંદિર વર્ષમાં માત્ર એકવાર — કાર્તિક પૂર્ણિમાના દિવસે — ખુલ્લું મુકવામાં આવે છે. આ અવસરે સૂર્યોદય પહેલા મંદિરના દ્વાર ખોલી ભગવાન કાર્તિકેયના મુખના દર્શન માટે ભક્તોને મોકો આપવામાં આવ્યો હતો.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભગવાનના મુખના દર્શનને વિશેષ મહત્વ માનવામાં આવે છે. વહેલી સવારથી મહિલાઓ સહિત ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોતાના મનના ભાવ અને મનોકામના પૂર્ણ કરવા માટે હજારો ભક્તો મંદિર પહોંચ્યા હતા. ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.
મંદિર પરિસરમાં યજ્ઞ અને પૂજાવિધિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભુદેવોએ મંત્રોચ્ચાર સાથે શાંતિ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી. કાર્તિકેય પૂર્ણિમાના આ પાવન દિવસે સાંજે બ્રાહ્મણો દ્વારા ભગવાનનો મંત્રોચ્ચાર સાથે મહા પંચામૃત અભિષેક વિધિ પણ યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ