

પાટણ, 5 નવેમ્બર (હિ.સ.) સોમવારથી શરૂ થયેલા સિદ્ધપુરના કાત્યોકના મેળાનો આજે ત્રીજો દિવસ હતો, જેમાં કાર્તિક પૂર્ણિમાના પાવન દિવસે નદીના પટમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. બિંદુ સરોવર પાસેના પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધી માનવ મહેરામણ જામી ગઈ હતી. હજારો ભક્તોએ પોતાના સ્વજનોના પિતૃ તર્પણ વિધિ કરી અને ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી.
ચૌદશની રાતથી પૂનમની સવાર સુધી ત્રિવેણી સંગમમાં હજારો લોકોએ સ્નાન કરીને તર્પણ કર્યાં હતા. તર્પણ વિધિ માટે 500થી વધુ ભૂદેવો બિરાજમાન રહ્યા હતા, જ્યારે નદી કિનારે મુંડન માટે મોટી સંખ્યામાં નાઈ ભાઈઓની કતાર લાગી હતી. તર્પણ બાદ ભક્તોએ દીવડા તરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સિદ્ધપુર તરફ આવતી બસોમાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી હતી.
કાર્તિક પૂર્ણિમાનું પિતૃ તર્પણ માટે વિશેષ મહત્વ હોય છે, જેના પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત ગુજરાતભરના શ્રદ્ધાળુઓ સિદ્ધપુર પહોંચ્યા હતા. આ વર્ષે ચેકડેમમાં પાણી હોવાને કારણે ભક્તોમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો. સરસ્વતી નદીના કિનારે આવેલા અતિપ્રાચીન “મોક્ષ પીપળા”ની પ્રદક્ષિણા કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા મુજબ હજારો ભક્તોએ પ્રદક્ષિણા કરી ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ