
પાટણ, 5 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરને પીવાનું પાણી પૂરુ પાડતા સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણીની ગુણવત્તા ચકાસવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સોહેલ અને તેમની ટીમે સ્થળની મુલાકાત લઈને વિવિધ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણીના સેમ્પલ એકત્ર કર્યા છે. આ નમૂનાઓનું પરીક્ષણ પાણી પુરવઠા બોર્ડની કચેરી – જળભવન ખાતે મોકલવામાં આવ્યું છે.
તાજેતરમાં સિદ્ધિ સરોવર પાણી વિના ખાલી થઈ ગયેલું અને સફાઈ કર્યા વગર ફરી ભરાતા તેમાં મરેલું કૂતરું તેમજ અનેક માછલીઓ મૃત હાલતમાં જોવા મળતાં નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી. આ દ્રશ્યો સામે આવતા પાણીની સ્વચ્છતા અને આરોગ્ય જોખમ અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેના પગલે શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
નર્મદાનું પાણી સિદ્ધિ સરોવરમાં ભરી, ફિલ્ટર પ્લાન્ટ મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. છતાં પણ પાણી ખરેખર પીવાલાયક છે કે નહીં તે અંગે લાંબા સમયથી નાગરિકોમાં શંકા રહી છે. આ શંકાને દૂર કરવા આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે ચાર અલગ સ્થળેથી પાણીના નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ