
અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી કાયદાની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપીઓ અને જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત અમરેલી એલસીબી ટીમે મહત્વની કામગીરી અંજામ આપી છે.
માહિતી મુજબ, ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી તરીકે શોધાતો વિરાજ પ્રવિણચંદ્ર રાણા (ઉંમર 33, રહે. નારાયણનગર, તા. લાઠી, જિ. અમરેલી, હાલ રહે. સાયોના રેસિડન્સી, ઘાટલોડિયા, અમદાવાદ) છેલ્લા છ મહિનાથી કાયદાની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. એલસીબી ટીમે ટેક્નિકલ સોર્સ તેમજ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદમાં લોકેશન મળી આવતા ઝડપી કાર્યવાહી કરીને વિરાજ રાણાને ઝપટી પાડ્યો હતો.
આરોપીને કાયદેસર કાર્યવાહી માટે ચલાલા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે, જ્યાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ આખી કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ. કોલાદરા, ઈન્ચાર્જ પીઆઈ ડી.કે. વાઘેલા, પીએસઆઈ કે.ડી. હડિયા, એમ.ડી. ગોહિલ, આર.એચ. રતન તથા હેડ કોન્સ્ટેબલ્સ મનીષભાઈ જાની, અશોકભાઈ કલસરીયા, તુષારભાઈ પાંચાણી અને હરેશભાઈ કુંવારદાસના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
આ કામગીરીથી અમરેલી પોલીસના ગુનાખોરી વિરુદ્ધના દમદાર અભિગમ અને સંકલિત કાર્યવાહીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai