




ગાંધીનગર, 5 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શ્રી ગુરુ નાનકજીની ૫૫૬મી જયંતિના પાવન પર્વે ગાંધીનગર જિલ્લાના પોર સ્થિત ગુરુદ્વારા શીખ પરિવારો આયોજિત સત્સંગ કીર્તન અને પૂજામાં ભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા હતા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી હતી.
આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવક ગુરૂપ્રીતસિંહ ધિલ્લોન તથા પરમજીતકૌર છાબડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી તથા મહાનુભાવોએ ગુરુદ્વારા ખાતે લંગરમાં પ્રસાદ વિતરણની સેવા પણ કરી હતી.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા અલ્પેશ ઠાકોર પણ ગુરૂદ્વારા ખાતે દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ