સુરત મેટ્રો અપડેટ: મજૂરાગેટ ફ્લાયઓવર રાત્રે બંધ, ઉધના દરવાજા રૂટ 3 મહિના માટે બંધ
સુરત, 5 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની ગતિ વધતા ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વના ફેરફારો અમલમાં આવી રહ્યા છે. કોરિડોર-1 હેઠળ સરથાણા થી ડ્રીમ સિટી વચ્ચેનો કામકાજ તેજ ગતિએ ચાલી રહ્યો છે. તાજેતરમાં મજૂરાગેટ પાસે નાનપુરાથી આયકર વિભાગ તરફ જતા મ
Surat


સુરત, 5 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની ગતિ વધતા ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વના ફેરફારો અમલમાં આવી રહ્યા છે. કોરિડોર-1 હેઠળ સરથાણા થી ડ્રીમ સિટી વચ્ચેનો કામકાજ તેજ ગતિએ ચાલી રહ્યો છે. તાજેતરમાં મજૂરાગેટ પાસે નાનપુરાથી આયકર વિભાગ તરફ જતા માર્ગ પર ગર્ડર મુકાયા બાદ હવે સ્લેબ કાસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

સલામતીને પ્રાધાન્ય આપી 3 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી મજૂરાગેટ ફ્લાયઓવર રાત્રે 11થી સવારે 6 દરમિયાન બંને તરફ ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ રહેશે. આ સમયગાળામાં વાહનચાલકોને ઓવરબ્રિજ મારફતે પસાર થવાની મંજૂરી રહેશે નહીં.

બીજી તરફ, મેટ્રો સંબંધિત અન્ય ભાગોમાં પણ ટ્રાફિક અસરશે. 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી ચામુંડા રેસ્ટોરન્ટ થી સોની ટીવી શોરૂમ મારફતે ઉધના દરવાજા દિશાનો રોડ બંધ રહેશે. વાહનચાલકો માટે વિકલ્પ રૂટ તરીકે નિર્મલ હોસ્પિટલ – યુનિક હોસ્પિટલ – રોકડિયા હનુમાન મંદિર માર્ગનો ઉપયોગ કરી ઉધના દરવાજા સુધી જઈ શકાશે. 2.8 મીટર સુધીની ઊંચાઇના વાહનો માટે ચામુંડા રેસ્ટોરન્ટ બ્રિજ નીચે થી જૂની સબજેલ – ખટોદરા GIDC મારફતે સુરત–નવસારી રોડ સુધીનો માર્ગ ખુલ્લો રહેશે.

મેટ્રો ટીમનું માનવું છે કે આ અસ્થાયી અસુવિધા ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુગમ, ઝડપી અને આધુનિક બનાવવાના મોટા પરિવર્તન તરફનું પગલું છે. આગામી મહિનાઓમાં કામની ગતિ વધુ તેજ થશે, તેથી ટ્રાફિક સંબંધિત વધુ અપડેટ્સની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande