ધારીના BJP ધારાસભ્ય જે.વી. કાકડિયાના દેવા માફી પત્રની કોંગ્રેસે કરી પ્રશંસા
અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજકીય અને કૃષિ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે ધારી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયાનો એક મહત્વપૂર્ણ પગલું. કાકડિયાએ ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યના તમામ ખેડૂતોના દેવા
ધારીના BJP ધારાસભ્ય જે.વી. કાકડિયાના દેવા માફી પત્રની કોંગ્રેસે કરી પ્રશંસા


અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજકીય અને કૃષિ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે ધારી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયાનો એક મહત્વપૂર્ણ પગલું. કાકડિયાએ ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે. આ પત્ર બાદ રાજુલા ખાતે ચાલી રહેલા “ખેતી બચાવો સત્યાગ્રહ” આંદોલન દરમિયાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ધારાસભ્ય કાકડિયાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.

પ્રતાપ દુધાતે પોતાના નિવેદનમાં કહ્યું, “આ રાજકારણની નહીં પરંતુ ખેડૂતની વાત છે. જે.વી. કાકડિયાએ ખેડૂતોની વેદના સમજીને જે પત્ર લખ્યો છે તે વખાણને લાયક છે. જો મુખ્યમંત્રી દેવા માફ કરશે તો હું વ્યક્તિગત રીતે ધારીના ધારાસભ્યનું મોં મીઠું કરાવવાની સાથે મુખ્યમંત્રીનું અમરેલીમાં સ્વખર્ચે સત્કાર કરીશ.”

દુધાતે વધુમાં જણાવ્યું કે ખેડૂતોને છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ, વીજ તંગી અને પાકની નિષ્ફળતાનો ભારે ફટકો પડ્યો છે. ખેડૂતોના કરજનો બોજ એટલો વધી ગયો છે કે ઘણા ખેડૂતો આત્મહત્યાની કગાર પર છે. આવા સમયે કોઈ પણ પક્ષનો નેતા ખેડૂતો માટે અવાજ ઉઠાવે તે પ્રશંસનીય છે. “આ હિન્દુસ્તાનમાં પહેલો એવો પ્રસંગ બનશે જ્યારે કોંગ્રેસ, ભાજપના ધારાસભ્યનું જાહેર સન્માન કરશે,” એમ દુધાતે ઉમેર્યું.

રાજુલાના ધરણા અને પ્રદર્શન દરમિયાન પ્રતાપ દુધાતે કહ્યું કે આંદોલનનો હેતુ રાજકીય નથી, પરંતુ અન્નદાતાને જીવિત રાખવાનો છે. ખેડૂતોના દેવા માફ કરવાથી ન માત્ર તેમની આર્થિક સ્થિતિ સુધરશે, પરંતુ રાજ્યના ગ્રામિણ અર્થતંત્રમાં પણ નવી ઉર્જા આવશે.

ભાજપના ધારાસભ્ય કાકડિયાનો આ અભિગમ પાર્ટી લાઇનની બહાર જઈને ખેડૂતોના હિતમાં બોલવાનો સાહસિક પ્રયાસ ગણાયો છે. એક તરફ કોંગ્રેસે આ પગલાને અભિનંદન આપ્યું છે, તો બીજી તરફ કૃષિ વર્ગમાં આશા જાગી છે કે હવે સરકારે આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.

પ્રતાપ દુધાતના શબ્દોમાં —

“જો દેવા માફી થશે તો અમે ભાજપના ધારાસભ્યનું મોં મીઠું કરાવીશું અને મુખ્યમંત્રીનો સત્કાર કરીશું. રાજકારણ બાદમાં આવે, પહેલાં ખેડૂત આવે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande