જામનગરમાં ડિફેન્સ કોલોનીના ખરાબ રસ્તા મામલે કોંગ્રેસનું ગારામાં આળોટીને વિરોધ પ્રદર્શન
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરના વોર્ડ નંબર 6ની ડિફેન્સ કોલોનીમાં ખરાબ રસ્તા અને કાદવ-કીચડથી પરેશાન સ્થાનિકોના સમર્થનમાં જામનગર શહેર કોંગ્રેસે આજે મહાનગરપાલિકાની બેદરકારી સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. કાર્યકર્તાઓએ ગારામાં આળોટીને ત
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન


જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરના વોર્ડ નંબર 6ની ડિફેન્સ કોલોનીમાં ખરાબ રસ્તા અને કાદવ-કીચડથી પરેશાન સ્થાનિકોના સમર્થનમાં જામનગર શહેર કોંગ્રેસે આજે મહાનગરપાલિકાની બેદરકારી સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. કાર્યકર્તાઓએ ગારામાં આળોટીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ડિફેન્સ કોલોની વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આ વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે છે, જેને સ્થાનિકો 'રબડીરાજ' તરીકે ઓળખાવે છે. મહાનગરપાલિકાના અધિકારીઓને જગાડવા માટે શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કાર્યકર્તાઓએ સવારે આ વિસ્તારમાં ગારા-કીચડમાં આળોટીને વિરોધ નોંધાવ્યો હતો.આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન બાદ વોર્ડના મહિલા કોર્પોરેટર દ્વારા રસ્તો મંજૂર થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષ નેતા ધવલ નંદા સહિતના આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. દિગુભા જાડેજાએ કાદવ-કીચડવાળા કપડાં સાથે જ રજૂઆત કરી હતી.શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં ઘણા સમયથી તમામ રોડ-રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. વોર્ડ નં. 6, એરફોર્સ ગેટથી વાયુનગર સુધીનો રસ્તો ભૂગર્ભ ગટરના કામને કારણે છેલ્લા એક વર્ષથી ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ તેનું કામ પૂર્ણ થયું નથી. ડિફેન્સ કોલોની અને બાલાજી પાર્ક વિસ્તારના રસ્તાઓ પણ ખોદકામ બાદ પેચવર્ક કે રોડનું કામ કરાયું નથી.આ વિસ્તારોમાં 'રબડીરાજ' અને રોગચાળાનો ભય હોવાથી સ્થાનિકો ખુબ જ પરેશાન છે. કોંગ્રેસે તાત્કાલિક આ સમસ્યાઓનો નિકાલ કરવાની માંગ કરી છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થાનિક લોકોને સાથે રાખીને મહાનગરપાલિકાની ચેમ્બરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande