
અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો પર ફરી એકવાર આર્થિક સંકટ તૂટી પડ્યું છે. છેલ્લા દસ દિવસથી વરસાદી ઝાપટા તેમજ છેલ્લા દોઢ મહિનાથી ગીર અને આજુબાજુના વિસ્તારોમાં સતત માવઠા જેવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી અને એરંડા જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે. સાથે સાથે પશુઓ માટેનો ચારો પણ પલળી જતાં ખેડૂતો અને માલધારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે.
આ પરિસ્થિતિ વચ્ચે ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને રાહત આપવાની ભાવનાત્મક માંગણી કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, “હું જાતે ગામડાઓમાં ફરીને ખેડૂતોની હાલત નિહાળી છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, પાક બગડી ગયો છે અને ચારો સડી ગયો છે. ખેડૂતો પાસે પાક ધિરાણ ચૂકવવાની સ્થિતિ જ નથી.”
તેમણે સરકારને વિનંતી કરી છે કે, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ જેથી તેઓને રાહત મળે અને આવનારી વાવણી માટે હિંમત મળે. સાથે સાથે માલધારીઓ માટે ધાસચારા અને અન્ય સહાયની તાત્કાલિક વ્યવસ્થા પણ હાથ ધરવી જોઈએ.
ધારાસભ્ય કાકડીયાના આ પત્ર બાદ ખેડૂતોમાં આશા જગાઈ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ મુશ્કેલીમાંથી ખેડૂતોને રાહત આપશે. આ મુદ્દો હાલમાં અમરેલી અને ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai