ગુજરાત સરકાર ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે
- 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ગાંધીનગર,5 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ઓકટોબરના અંતિમ સપ્તાહમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂત પરિવારોની આર્થિક
ગુજરાત સરકાર ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે


- 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

ગાંધીનગર,5 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ઓકટોબરના અંતિમ સપ્તાહમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી ખેડૂતોની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે.રાજ્યના ખેડૂતોએ પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે કે સરકારએ રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી પ્રક્રિયા આવનારા 9 નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે.મુખ્યમંત્રીએ ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.

કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં પાકને થયેલ નુકસાની અંગે ગાંધીનગર ખાતે મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પાક નુકસાનીનો સરવે ઝડપથી પૂર્ણ કરવા અને તે માટેનું રાહત પેકેજ જાહેર કરવા અંગે ચર્ચાઓ કરી હતી. ખેડૂતો માટેનું રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદ બાદની નુકસાની હેતુસર ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા સ્વંય ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે સોમવારે બપોર બાદ પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા તેમણે મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande