
અમદાવાદ,5 નવેમ્બર (હિ.સ.) રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીપાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપી છે કે, રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય છે. જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
ઓકટોબરના અંતિમ સપ્તાહમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ધંધુકા તાલુકાના વાગડ ગામમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પાછલા દિવસોમાં થયેલા માવઠાથી પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર પાસે તાત્કાલિક વળતર તથા દેવા માફીની માંગ કરી હતી.
ધંધુકા તાલુકાના વાગડ વિસ્તારમાં 900 હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 80 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મોંઘા બિયારણ, દવાઓ અને મજૂરી ખર્ચ બાદ પાક નિષ્ફળ જતાં તેઓ પાયમાલ થયા છે. કપાસ ઉપરાંત તલ અને એરંડાના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદે તેમના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે અને તેઓ દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે. તેમણે ગ્રામ પંચાયત સ્તરે તાત્કાલિક સર્વે કરીને ઝડપથી વળતર ચૂકવવા અને તેમના દેવા માફ કરવાની માંગ કરી છે. હાલ સરકારી સ્તરે પંચનામા અને રોજકામની કામગીરી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ