

મહેસાણા, 5 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બુટા પાલડી ગામના કર્ણસિંહ મુકેશકુમાર રાજવંશીએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મહેસાણાની એકલવ્ય ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો આ વિધાર્થી તાજેતરમાં બેંગલોર ખાતે 25 ઓક્ટોબર, 2025ના રોજ યોજાયેલી નેશનલ લેવલ અબાકસ એન્ડ મેન્ટલ એરીથમેટિક કોમ્પિટિશનમાં ચેમ્પિયન બન્યો હતો.આ સ્પર્ધાનું આયોજન ક્યુબેટિક એજ્યૂટેક પ્રાઇવેટ લિમિટેડ, બેંગલોર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીજી નેશનલ લેવલ અબાકસ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં કર્ણસિંહે ઉત્તમ પ્રદર્શન કરી ચેમ્પિયનનું ખિતાબ મેળવ્યું. આ સ્પર્ધામાં બાળકોને માત્ર આઠ મિનિટમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવા કુલ 200 ગણિતના દાખલા સોલ્વ કરવા પડતા હોય છે, જેને દેશની સૌથી મુશ્કેલ સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે.કર્ણસિંહ છેલ્લા 14 મહિનાથી ઉત્તર ગુજરાતમાં નરેશભાઈ બારોટ સંચાલિત માનવ આશ્રમ અબાકસ સંસ્થામાં તાલીમ લઈ રહ્યો હતો. તેની સતત મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી તેણે અગાઉ વિસનગરમાં યોજાયેલી જોનલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અને બાદમાં બરોડામાં યોજાયેલી સ્ટેટ લેવલ સ્પર્ધામાં પણ ચેમ્પિયન ટાઇટલ મેળવ્યું હતું.આ વખતે નેશનલ લેવલ પર વિજય સાથે કર્ણસિંહે માત્ર પોતાના માતા–પિતા મુકેશકુમાર બાબુલાલ રાજવંશીનું નહીં પરંતુ મહેસાણા જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. કેટેગરી 1 (C1) માં પ્રથમ સ્થાન મેળવનાર કર્ણસિંહ નાનકડા ઉંમરે એકાગ્રતા, સ્પીડ અને એક્યુરેસીનો સુંદર સમન્વય રજૂ કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR