
નવસારી, 5 નવેમ્બર (હિ.સ.) : ચીખલી પોલીસે રાનકૂવા ગામ નજીકથી પીકઅપ વાહનમાં ગેરકાયદેસર રીતે પરિવહન થતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ 7.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક વ્યક્તિને અટક કરી છે, જ્યારે બે શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પીએસઆઇ એફ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળની પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે રાનકૂવા સર્કલ પર વોચ ગોઠવી હતી. દરમ્યાન શંકાસ્પદ પીકઅપ (જીએજે-05-બીવી-8212)ને રોકી તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ, બીયર અને વૉડકાની મળી કુલ 1296 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 2,62,080 થાય છે.
આ ઉપરાંત પોલીસે પીકઅપ વાહન રૂ. 5 લાખ અને મોબાઇલ મળી કુલ રૂ. 7,72,080નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઉપેન્દ્રપ્રસાદ છઠુ ભગત (રહે. શિવકૃપા સોસાયટી, લીંબાયત, સુરત; મૂળ બિહાર)ને અટક કર્યો છે. દારૂનો જથ્થો મંગાવનાર “રાજુભાઈ” તેમજ તેમની તરફથી જથ્થો ભરાવનાર વ્યક્તિ ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ચીખલી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કયા નેટવર્ક દ્વારા સપ્લાય થવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે