

પાટણ, 5 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર છમીસા ગામના અજીતજી ઠાકોર, તેમની પત્ની (આઠ માસની ગર્ભવતી), પાંચ વર્ષનો પુત્ર, હિંમતજી ઠાકોર, તેમની પત્ની અને રિક્ષાચાલકનો કુટુંબી ભાઈ સહિત કુલ સાત લોકો જતા હતા. સામેથી આવતી કાર સાથે અથડામણ થતા ઘટનાસ્થળે રિક્ષાચાલકનો ભાઈ રમેશ સોલંકીનું મૃત્યુ થયું હતું.
આ અકસ્માતમાં અન્ય લોકોને ગંભીર ઈજાઓ થતાં સૌને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી અજીતજી ઠાકોર અને તેમના પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતાં રસ્તામાં જ પુત્રનું મોત થયું હતું. અજીતજીની પત્ની ગર્ભવતી હોવાથી ગર્ભસ્થ શિશુનું પણ મોત થયું અને તબીબોએ ઓપરેશન કરીને મૃત બાળકને બહાર કાઢ્યું હતું.
અજીતજી ઠાકોર હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે, જ્યારે રિક્ષાચાલકને પગમાં ફ્રેક્ચર થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રિક્ષામાં સવાર અન્ય દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાને લઈને ચાણસ્મા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ