
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગર LCB પોલીસે ધ્રોલ નજીક સોયલગામ પાસેના ટોલનાકા પાસેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 384 બોટલ દારૂ, બે મોબાઇલ ફોન અને એક કાર સહિત કુલ ₹6.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.LCBની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર સોયલગામ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કારમાંથી અશોક પરમાર અને દીપક શિયાળ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹3,82,800ની કિંમતની 384 બોટલ ઇંગ્લિશ દારૂ, ₹15,000ની કિંમતના બે મોબાઇલ ફોન અને ₹3,00,000ની કિંમતની સ્વીફ્ટ કાર મળી કુલ ₹6,97,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલ અજય વીરડાએ આ અંગે ફરિયાદ નોંધાવતા, એ.એસ.આઈ. ભરત ડાંગરે પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ દારૂ મંગાવનાર સદ્દામ ઉર્ફે મુનો બોદુભાઈ સફિયાને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt