
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) પોરબંદરની એચ.એમ.પી. કોલોની સામે આવેલા વીમાર્ટના શોરૂમમાં ખરીદી કરવા ગયેલ વિપ્ર યુવાનનું એકટીવા ચોરાતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ સિધ્ધિ વિનાયક પાર્કમાં રહેતા અને વાડીપ્લોટ નજીક ફેમસ હાર્ડવેર એન્ડ પેઈન્ટ નામની દુકાન ચલાવતા કેતન દોલતરાય થાનકી નામના 47 વર્ષના યુવાને કમલાબાગ પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 3-11ના તેઓ તેમના પત્ની વીણાબેન અને પુત્રી કૌશલબેન સાથે વી માર્ટના શોરૂમમાં ખરીદી કરવા સવારે 10:30 વાગ્યે ગયા હતા અને ખરીદી કરી લીધા બાદ 11:30 વાગ્યે બહાર આવીને જોયું તો તેમનું એકટીવા સ્કૂટર મળી આવ્યુ ન હતુ. આજુબાજુમાં તપાસ કરવા છતા તેનો પત્તો મળ્યો ન હતો. તેના સ્કૂટરનો કોઇ ગેરઉપયોગ કરે તેવો ભય જણાતા અંતે કેતન થાનકીએ કમલાબાગ પોલીસમથક ખાતે જઇને પોતાનું 20 હજારનું એકટીવા માત્ર એક કલાકના સમયગાળામાં કોઇએ ચોરી લીધાનું જણાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya