
સુરત, 7 નવેમ્બર (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલ ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલા એક દર્દીના ગળામાંથી સોનાની ચેઈન ચોરી થઈ હોવાનો મામલો બહાર આવ્યો છે.
જહાંગીરપુરા સ્થિત સાઈ પૂજન રેસિડેન્સી ખાતે રહેતા હિરલ નિલેશભાઈ પાઠલના ફુવા, કૌશિકભાઈને તબિયત બગડતા તેમને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તકનો સદુપયોગ કરી તેમના ગળામાં પહેરેલી અંદાજે ₹1,12,000 કિંમતની સોનાની ચેઈન ઉઠાવી લીધી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા હોસ્પિટલ સ્ટાફમાં ચકચાર મચી હતી. બાદમાં હિરલ પાઠલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે