
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સહીત પોરબંદર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે પશુપાલકોના નિરણપૂરા અને ઘાસસારો પૂરતું પલળી જઈ ખરાબ થઈ ગયું છે. પશુઓના ખોરાકરૂપે ઉપયોગ થતો મગફળીનો ભૂકો (માંડવિયું)અને કપાસના પાક પણ બગડી ગયેલા છે. આ પરિસ્થિતિમાં પશુઓ અને ગૌમાતાઓના નિભાવ માટે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત, આ સમયે અમુક જિલ્લામાં પશુઓમાં ખરવા રોગ ફેલાયો છે અને ગૌમાતાઓમાં ફરીથી લંપી રોગ જોવા મળી રહ્યો છે. જેના કારણે પશુધન રોગ અને ભૂખમરાના કારણે મૃત્યુ પામે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખાસ કરીને ખેતીની જમીન વિહોણા માલધારીઓ માટે આખા વર્ષનો પણુ નિભાવ શક્ય નથી. તેથી, એમને વિશેષ રાડતરૂપે આર્થિક સહાય તથા ઘાસસારો સડાય ફાળવવા અને પશુ ધિરાણ યોજના હેઠળ પશુ નિભાવ નું ધિરાણ લીધેલ પશુપાલકો ને ધિરાણ માં માફી આપવા રાષ્ટ્રીય માલધારી સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે, પોરબંદર જિલ્લાના તમામ પશુપાલકોની તરફથી નમ્ર વિનંતી છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી પશુપાલકોને પશુ નિભાવ માટે આર્થિક સહાય ફાળવવામાં આવે, પશુ નિભાવ નું ધિરાણ માફ કરવામાં આવે જેથી પશુઓના નિભાવમાં સહાય મળે અને પશુપાલન વ્યવસાય ને ગૌશાળાઓમાં ગૌસેવાના કાર્યને સતત રાખી શકાય.આ સહાનુભૂતિપૂર્વક વિચાર કરી તાત્કાલિક રકત ફાળવવા અને ધિરાણ માફી માટે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya