
જામનગર, 7 નવેમ્બર (હિ.સ.) : દેશની આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરનાર વંદે માતરમ્ રચનાના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે જામનગર જિલ્લામાં ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આદેશ અનુસાર, જિલ્લા કક્ષાએ સામુહિક ગાન અને સ્વદેશીના શપથનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર જિલ્લાનું પ્રશાસનિક તંત્ર રાષ્ટ્રભક્તિના એક તાંતણે બંધાયું હતું.
આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, જિલ્લાની તમામ મુખ્ય સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એકસાથે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેકટર કચેરી ઉપરાંત, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, પ્રાંત કચેરીઓ, એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, મામલતદાર કચેરીઓ, જિલ્લા માહિતી કચેરી, માર્ગ અને મકાન વિભાગ, શ્રમ અને રોજગાર કચેરી અને જિલ્લા હોમગાર્ડ કચેરી સહિતના અનેક સ્થળોએ વંદે માતરમ્નું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવામાં આવ્યું હતું. સાથે જ દેશને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પને બળ આપવા સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt