


- કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ 'સરહદના સંત્રી'ની ભૂમિકા અદા કરી છે
- સરહદી વિસ્તારોમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે, હજુ સરકારી જમીન પર જો કોઈ ધાર્મિક દબાણ કરશે તો તેના પર બુલડોઝર ફરશે: નાયબ મુખ્યમંત્રીની ચેતવણી
ભુજ, 7 નવેમનબર (હિ.સ.) : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને 'ખાટલા બેઠક'માં સહભાગી થયા હતા.
કપુરાશી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પરના આ ગામડાઓ લાભાન્વિત બન્યા છે. તેમણે નોંધ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે અને લોકોના જીવનમાં આર્થિક-સામાજિક પરિવર્તન આવ્યું છે.
સંઘવીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે 30 થી વધુ સીનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે. તેમણે કપુરાશીમાં રાત્રી સભા, રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું કે, સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ 'સરહદના સંત્રી'ની ભૂમિકા અદા કરી છે.
સંઘવીએ ગ્રામજનોને અનુરોધ કર્યો કે તેઓ સીમાપારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે. કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દુષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે.
કપુરાશી ગામ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ઢોલ-શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાઘ પહેરાવીને આવકાર આપ્યો હતો.
સંઘવીએ ગામના વડીલો અને યુવાનો સાથે મુક્તમને સંવાદ કરીને ગામના પ્રશ્નો, સામાજિક-આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે, કપૂરાસીમાં આ સાચા દેશભક્તો સાથે આવીને ગર્વની લાગણી અનુભવું છું.
તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે, તો તેના પર બુલડોઝર ફરશે.
આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વરિષ્ઠ અધિકારીઓ જેવા કે ગુજરાત સીઆઈડી ક્રાઈમના ડીજી કે.એલ. રાવ, કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ