
અમદાવાદ,7 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના લોકસાહિત્યકાર, વાર્તાકાર,ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' ના સ્થાપક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. જોરાવરસિંહ દાનુભાઈ જાદવ ગુજરાતના જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક હતા. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે.તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોરાવરસિંહ જાદવે આખું જીવન લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું.
જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી 1940ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દાનુભાઈ હલુંભાઈ અને માતાનું નામ પામબા હતું. જેઓ વ્યવસાયે ખેડૂત હતા. જોરાવરસિંહ છ ભાઈ-બહેનોમાં બીજા ક્રમના બાળક હતા. તેમનું બાળપણ આકરું ગામમાં વીત્યું અને તેમનો ઉછેર તેમની સાવકી માતા ગંગાબાએ કર્યો. જોરાવરસિંહને બાળપણમાં લોકસાહિત્ય અને લોકકલાઓનો ઊંડો અનુભવ પ્રાપ્ત થયો હતો.
તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. તેમની જાણીતી વાર્તાઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘મરદાઈ માથા સાટે’ જેવી લોકપ્રિય કૃતિઓનો સમાવેશ થાય છે. તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોરાવરસિંહ જાદવે ઇ.સ 1964થી સરકાર સાપ્તાહિક અને ગ્રામસ્વરાજ તથા જિનમંગલ માસિકના સંપાદનની જવાબદારી સંભાળી હતી. તેમણે કલાને લોકો સમક્ષ રજુ કરવા સામયિકોની સાથે રેડિયો અને ટેલિવિઝનમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન-સંચાલન કર્યું હતું. તેમણે ઇ.સ. 1978માં 'ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનની અભણ, શોષિત અને વિચરતી જાતીના લોકકલાકારોને લોકો સમક્ષ આવવાની અને પોતાની અભિવ્યક્તિ કરવાની તક મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ