

પાટણ, 7 નવેમ્બર (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં ‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠ ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી. રાજ્યભરમાં 150 કેન્દ્રો પર રાષ્ટ્રગાનનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણના વિશ્વ વિરાસત સ્થળ રાણકી વાવ ખાતે પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ‘વંદે માતરમ’ ગાન કરી દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ અનેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રાષ્ટ્રગાન બાદ વિદ્યાર્થીઓએ રાણકી વાવની અદભૂત કલાકૃતિ અને સ્થાપત્યની મુલાકાત લીધી તથા તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી. આ પ્રસંગે યુવા પેઢીમાં દેશપ્રેમ અને વારસાપ્રેમની ભાવના વધુ મજબૂત બની.
પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાની અધ્યક્ષતામાં પણ ‘વંદે માતરમ’ની 150મી જયંતિ ઉજવણી ઉત્સાહભેર થઈ. કાર્યક્રમની શરૂઆત ગીતના મૂળ સ્વરૂપના સમૂહગાનથી થઈ હતી. ત્યારબાદ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી શપથ લઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક છે. તેમણે કહ્યું કે સ્વદેશી અપનાવીને આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી શકીએ છીએ. કાર્યક્રમમાં જિલ્લા કચેરીના અધિકારીઓ અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ