
પાટણ, 7 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમૂહ પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા 06 નવેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રના અનુસંધાનમાં યોજાયો હતો.
પરિપત્ર મુજબ 07 નવેમ્બર, 2025ના રોજ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતા હોવાથી રાજ્યભરમાં તેના સન્માનમાં વિવિધ કાર્યક્રમો યોજવાના સૂચન આપવામાં આવ્યા હતા. તે અનુસંધાને, કૉલેજના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કરાયું અને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ તથા ભાષાનો ઉપયોગ વધારવાની શપથ લેવાઈ. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના IQAC સેલ દ્વારા કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંઘ આનંદના પ્રેરક માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ