
સુરત, 7 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં સારોલી સ્થિત કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં લાગેલી આગે વેપારીઓમાં હાહાકાર મચાવી દીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગના 12મા માળે આગ ભભૂકી ઊઠતા ફાયર વિભાગને તરત કોલ કરવામાં આવ્યો હતો. શહેર ફાયર બ્રિગેડએ વિલંબ કર્યા વગર અભિયાન શરૂ કર્યું અને 6 સ્ટેશનોની 12થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો.
માર્કેટમાં આગની ખબર વીજળીની જેવડી ઝડપે ફેલાતા વેપારીઓ અને સ્ટાફ દોડધામમાં સુરક્ષિત જગ્યાએ ખસી ગયા હતા. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ટેક્સટાઇલ માર્કેટમાં સંગ્રહિત કાપડના મોટા જથ્થા આગની ઝપેટમાં આવી જતાં કરોડોના સ્ટોકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ફાયર ઓફિસર દિનુ પટેલના જણાવ્યા મુજબ, 12મા માળે અનેક દુકાનોને જોડીને બનાવાયેલા એક મોટા ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યાં કપડાના રોલનો ભારે સ્ટોક રાખવામાં આવ્યો હતો. વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ અન્ય માળે ફેલાવા આપી નહોતી તથા થોડા સમયમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ સ્થળ પર કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે, જયાં આગને ફરી ભભૂકી ન ઉઠે તેની ખાતરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે