
જામનગર, 7 નવેમ્બર (હિ.સ.) જામનગરને 'છોટી કાશી' તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલા કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે કાર્તિકી પૂર્ણિમાના રોજ પૃથ્વી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ખીજડા મંદિરેથી શરૂ થઈ હતી.
આ પૃથ્વી પરિક્રમામાં મહામંગલપુરી ધામ સુરતથી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય સૂર્યનારાયણદાસજી મહારાજ, સિક્કિમથી સુધાકારજી મહારાજ, ખીજડા મંદિરના સંત લક્ષ્મણદેવજી મહારાજ અને દિવ્યચૈતન્યજી મહારાજ સહિતના સંતો-મહંતો જોડાયા હતા. મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો પણ ભજન-કીર્તન કરતા પદયાત્રામાં સામેલ થયા હતા.નિજાનંદાચાર્ય દેવચંદ્રજી મહારાજે સ્થાપેલ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરેથી શરૂ થયેલી આ પદયાત્રા હવાઈચોક, સેન્ટ્રલ બેન્ક, દરબાર ગઢ, કાલાવડ નાકા બહાર થઈને ઠેબા ચોકડી પાસે આવેલા ૧૨,૦૦૦ પારાયણ મહામહોત્સવ સ્થળ 'મૂલ મિલાવા' ખાતે પહોંચી હતી.'મૂલ મિલાવા' ખાતે સંત ગુરુજનોએ ધર્મ ધ્વજા લહેરાવી હતી અને મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સુંદરસાથ ભાવિકોએ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે સેવાકીય યોગદાન પણ આપ્યું હતું.આ પૃથ્વી પરિક્રમામાં ખીજડા મંદિરના ટ્રસ્ટીઓ મનસુખ સંઘાણી, કિંજલ કારસરીયા, કિશન વસરા, પ્રણામી ગ્લોબલ સ્કૂલના જી.એલ. તનેજા અને કિશોર સંઘાણી સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt