નવસારીમાં મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટરને મોટો ઝટકો: સેલ્સમેન દ્વારા નકલી બિલ પર 56 ફોન ગાયબ
નવસારી, 7 નવેમ્બર (હિ.સ.) નવસારીના જાણીતા રિયલમી મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર ‘શ્યામ સેલ્યુલર’માં કામ કરતા સેલ્સમેન દ્વારા નકલી બિલ બનાવી 56 મોબાઈલ ફોન ગાયબ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં કુલ ₹7.26 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું
Navsari


નવસારી, 7 નવેમ્બર (હિ.સ.) નવસારીના જાણીતા રિયલમી મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર ‘શ્યામ સેલ્યુલર’માં કામ કરતા સેલ્સમેન દ્વારા નકલી બિલ બનાવી 56 મોબાઈલ ફોન ગાયબ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં કુલ ₹7.26 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

છાપરા રોડની તુલસીવન સોસાયટીમાં રહેતા રામચંદ્ર દાસભાઈ બુધાણી વર્ષ 2008થી નવસારી અને ડાંગ-આહવા જિલ્લામાં રિયલમી ફોનના ડિસ્ટ્રીબ્યુટર તરીકે સેવાઓ આપે છે. તેમની કંપનીમાં ચાર લોકો કામ કરે છે, જેમાં જેકી લક્ષ્મણભાઈ ધનવાણી છેલ્લા દોઢ વર્ષથી સેલ્સમેન તરીકે જોડાયા હતા. માસિક ₹25,000 પગાર મેળવનારો જેકીનો જવાબદારી ક્ષેત્ર રીટેલર્સ પાસેથી ઓર્ડર લેવો, બિલિંગ સિસ્ટમમાં એન્ટ્રી કરવી અને ફોન ડિલિવરી કરવાનું હતું.

છેતરપિંડીનો ભાંડો ત્યારે ફૂટ્યો, જ્યારે ‘હેપ્પી મોબાઈલ’ના માલિક જયમીન બુધાભાઈ પટેલે કંપનીને સંપર્ક કરી જણાવ્યું કે તેમના નામે રિયલમી 15T 5G મોડેલના ફોન ખરીદવાનો કોઈ ઓર્ડર કર્યો જ નથી. છતાં સિસ્ટમમાં તેમના નામે બિલિંગ અને ડિલિવરી દર્શાઈ રહી હતી.

શંકાના આધારે આંતરિક તપાસ હાથ ધરતાં બહાર આવ્યું કે જેકીએ 'હેપ્પી મોબાઈલ'ના નામે ખોટા બિલ જનરેટ કરી કુલ 56 ફોન ગાયબ કર્યા. પ્રારંભિક પૂછપરછમાં જેકીએ સ્વીકાર્યું કે લગભગ 7 થી 8 મોબાઈલ તેમણે સુરત ખાતે વેચી દીધા છે. બાકીના ફોનનું કોઈ સંતોષકારક સ્પષ્ટીકરણ આપ્યું નહીં અને માલ પણ પરત કર્યો નથી.

ઘટનાને પગલે રામચંદ્ર બુધાણીએ નવસારી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીના ગુનામાં તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande