
પાટણ, 7 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાયમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણય સામે સિદ્ધપુર કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે ભેગા થઈ આવેદનપત્ર સુપરત કર્યું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માંકણોજીયા, શહેર પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઉત્તર ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવાના બોજ નીચે દબાયા છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. મગફળીનો પાક નાશ પામતા પશુપાલકોને ઘાસચારાની પણ તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક પાટણ જિલ્લામાં સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવાની તેમજ પાક ધિરાણ માફ કરવાની માગણી કરી. સાથે જ આક્ષેપ કર્યો કે કમોસમી વરસાદના સર્વેમાં પાટણને બાકાત રાખવો ભેદભાવપૂર્ણ નિર્ણય છે. કોંગ્રેસે ચેતવણી આપી કે જો વહેલી તકે પાટણના ખેડૂતોને ન્યાય ન મળે અને સહાયની જાહેરાત ન થાય, તો પક્ષ ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ