



પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ભારતનું રાષ્ટ્ર ગીત ‘’વંદે માતરમ’’ એ પ્રત્યેક ભારતીયનું ગૌરવ છે. દેશની આન, બાન અને શાન સમાન છે અને દેશની ઓળખ છે. આપણા રાષ્ટ્ર ગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ‘’વંદે માતરમ @ 150’’ કાર્યક્રમ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
જેના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લાની વિવિધ વિભાગોની કચેરીઓમાં“વંદે માતરમ્” ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને
સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યાં હતાં.
પોરબંદર ખાતે સિવિલ હોસ્પિટલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ, મામલતદાર શહેર,ડીઆઈએલઆર, જીએસટી કચેરી, એસટી બસ સ્ટેન્ડ, જિલ્લા ઉધોગ કેન્દ્ર , ફોરેસ્ટ વિભાગ,જેટકો કચેરી રાણાવાવ સહિતની વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં “વંદે માતરમ્” ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત સર્વેએ 'સ્વદેશી અપનાવો'ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya