
પાટણ, 7 નવેમ્બર (હિ.સ.): પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાળકા પમ્પિંગ સ્ટેશનના પાણીનો સેમ્પલ શંકાસ્પદ આવતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. સિદ્ધિ સરોવરમાં તાજેતરમાં મૃત કૂતરા અને માછલીઓ મળ્યા બાદ પાણીની ગુણવત્તા અંગે ચિંતા વધતા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાએ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશ સોહલ અને તેમની ટીમે સ્થળની મુલાકાત લઈ પાણીના સેમ્પલ એકત્ર કર્યા હતા.
પાટણ નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી સિદ્ધિ સરોવરમાં ઠાલવી ફિલ્ટર પ્લાન્ટ મારફતે શહેરમાં વિતરણ થાય છે. આરોગ્ય વિભાગે સિદ્ધિ સરોવર, મોતીસા દરવાજા, ઝીણી પોળ અને કાળકા વિસ્તારના પમ્પિંગ સ્ટેશનો પરથી સેમ્પલ લઈ જળ વિભાગમાં મોકલ્યા હતા. ચાર સેમ્પલમાંથી ત્રણ પીવાલાયક હોવાનું જણાયું, જ્યારે કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ મળ્યું.
શંકાસ્પદ રિપોર્ટ મળ્યા બાદ કાળકા વિસ્તારના કાળકા સંપ, નીલ કમલ સોસાયટી અને જીમખાના પાસેની કૃષ્ણા રેસિડન્સીમાંથી ફરી સેમ્પલ લેવામાં આવ્યા છે. ડો. સોહલે નગરપાલિકાને તમામ પમ્પિંગ સ્ટેશનો પર નિયમિત ક્લોરીનેશન કરવાની સૂચના આપી છે અને નાગરિકોને પાણી ઉકાળી પીવાની વિનંતી કરી છે. આ ઘટનાને પગલે પાટણમાં પાણીની ગુણવત્તા અંગે ચિંતા વ્યાપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ