
પાટણ, 7 નવેમ્બર (હિ.સ.) : પાટણમાં શ્રી પદ્મનાથ ભગવાનનો સપ્ત રાત્રી રેવડીયા મેળો ભક્તિમય માહોલમાં ચાલી રહ્યો છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનની ચાર જ્યોતના દર્શન કરવા ઉમટી રહ્યા છે. પદ્મનાથ ભગવાન, ગણપતિ દાદા, હરદેવજી મહારાજ અને નકળંગ ભગવાનની આ ચાર જ્યોત મંદિર પરિસરમાંથી નીકળે છે અને તેના દર્શનથી ભક્તો ધન્યતા અનુભવે છે.
જ્યોત પ્રસ્થાન પહેલા મંદિરમાં સેવા-પૂજા કરવામાં આવે છે અને શુભ મુહૂર્ત જોઈને જ્યોત નીકળે છે. પ્રથમ જ્યોત ગણપતિ મંદિરે, બીજી અગાસીયાવીરે, ત્રીજી કુલડી વાસમાં અને ચોથી જ્યોત નરસિંહજી મંદિરે વિરામ લે છે. કારતક મહિનામાં યોજાતા આ સપ્ત રાત્રી મેળામાં પ્રજાપતિ સમાજ ઉપરાંત અઢારે વર્ણના લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાય છે અને દર્શનનો લાભ લે છે.
મેળામાં ચગડોળો, ખાણીપીણીના સ્ટોલ અને રંગીન રોશનીથી સમગ્ર વાડી ભક્તિમય બની છે. પદ્મનાથ વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને તેમની ટીમ દ્વારા દર્શનાર્થીઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તો રોજ જ્યોતના દર્શન કરી પદ્મનાથ ભગવાનની કૃપા મેળવે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ