
પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય સરકારની વિશ્વાસ પ્રોજેક્ટ યોજના અંતર્ગત સિદ્ધપુર શહેર અને હાઈવે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે. સિદ્ધપુર શહેર અને હાઇવે વિસ્તારોમાં બનતા અકસ્માતો તેમજ ગુનાહિત પ્રવૃતિઓને અટકાવવા માટે કુલ 149 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે શહેરમાં નવા ટાવર, ઝાંપલી પોળ, અશોક સિનેમા, રેલવે સ્ટેશન ના વળાંક પાસે, એસ.ટી ડેપો પાસે, સરસ્વતી નદીના બેઠા પુલ સહિતના મુખ્ય વિસ્તારોમાં તેમજ ખળી ચાર રસ્તા, બિંદુ સરોવર, દેથળી ચાર રસ્તા, તાવડીયા ચાર રસ્તા અને કાકોશી ચાર રસ્તાના હાઈવે પર હવે સીસીટીવી દ્વારા બાજ નજર રહેશે. જેનુ ઓપરેટિંગ પાટણ કમાન્ડ કંટ્રોલ(નેત્રમ) દ્વારા કરાશે.આ માટે જાહેર જનતા ને સૂચિત કરવા હેતુ હાલમા 'આપ સી.સી.ટી.વી કેમેરા ની નજર હેઠળ છો ' એવા સુચન બોર્ડ દરેક સી.સી.ટી.વી લગાવેલ થાંભલા ઉપર જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ