
પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : પાટણના નવા બસસ્ટેન્ડ નજીક 6 નવેમ્બર, 2025ના રોજ સાંજે લગભગ છ વાગ્યાના સુમારે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય આકાશભાઈ પંકજભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થતાં પહેલા ધારપુર સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં મહેસાણાની ભગવતી ICUમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક આકાશ સોલંકી મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના રહેવાસી હતા અને હાલ પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. અકસ્માત સમયે તેઓ મિત્રનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે NL-07-4330 નંબરના ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી.
આકાશે અકસ્માત પછી પોતાના બનેવી પ્રવીણભાઈ કવાભાઈ તરાલને ફોન કરીને જાણ કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવે છે અને બંને એક જ ક્વાર્ટર્સમાં રહેતા હતા. આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ