વિસનગરના ત્રણ દરવાજા ટાવર નજીકનો બજરંગ ચોક ફુવારો ગંદકીથી ખદબતો, શહેરીજનો માંગે છે તાત્કાલિક સમારકામ
મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) : વિસનગર શહેરના ત્રણ દરવાજા ટાવર પાસે આવેલ બજરંગ ચોકનો ફુવારો, જે એક સમયે શહેરની સુંદરતા વધારતો દ્રશ્ય બન્યો હતો, આજે ગંદકી અને બેદરકારીના કારણે દયનીય હાલતમાં પહોંચી ગયો છે. ક્યારેક આ ફુવારો ચાલુ હોય ત્યારે ટાવર વિસ્તાર આ
વિસનગરના ત્રણ દરવાજા ટાવર નજીકનો બજરંગ ચોક ફુવારો ગંદકીથી ખદબતો — શહેરીજનો માંગે છે તાત્કાલિક સમારકામ


વિસનગરના ત્રણ દરવાજા ટાવર નજીકનો બજરંગ ચોક ફુવારો ગંદકીથી ખદબતો — શહેરીજનો માંગે છે તાત્કાલિક સમારકામ


મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) : વિસનગર શહેરના ત્રણ દરવાજા ટાવર પાસે આવેલ બજરંગ ચોકનો ફુવારો, જે એક સમયે શહેરની સુંદરતા વધારતો દ્રશ્ય બન્યો હતો, આજે ગંદકી અને બેદરકારીના કારણે દયનીય હાલતમાં પહોંચી ગયો છે. ક્યારેક આ ફુવારો ચાલુ હોય ત્યારે ટાવર વિસ્તાર આકર્ષક અને રમણીય લાગતો હતો, પરંતુ સમય જતાં તેનું સંચાલન બંધ થઈ જતા હવે તે ગંદકીથી ભરાયો છે. હાલની સ્થિતિ એવી છે કે શહેરીજનોને તેની પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ફુવારાના આસપાસ શાકભાજી અને લારીવાળાઓના કારણે કચરાના ઢગ ઊભા થયા છે. આ કચરો અને સ્થિર પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના લીધે આજુબાજુના વેપારીઓ અને મુસાફરો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફુવારાના પાછળના ભાગમાં એટલી ગંદકી છે કે ત્યાં ઊભું રહેવું પણ અઘરું બની ગયું છે.

શહેરના રહેવાસીઓનું કહેવું છે કે ત્રણ દરવાજા ટાવર અને બજરંગ ચોક વિસ્તાર એક સમય વિસનગરની ઓળખ ગણાતો હતો. અહીં વિવિધ અગ્રણીઓની પ્રતિમાઓ સાથેનો આ ચોક નગરના સૌંદર્યનું પ્રતિક હતું. પરંતુ હાલમાં આ વિસ્તારની હાલત જોઈને શહેરીજનોમાં નિરાશા વ્યાપી છે. નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ અને દેખરેખના અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ માંગણી કરી છે કે ફુવારોનું તાત્કાલિક સમારકામ કરી તેને ફરીથી કાર્યરત કરવામાં આવે. સાથે જ તેની આસપાસ નિયમિત સફાઈ અને વ્યવસ્થિત કચરાવ્યવસ્થાપન કરવામાં આવે જેથી આ વિસ્તાર ફરીથી સ્વચ્છ અને આકર્ષક બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande