

મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામના 70 વર્ષીય ડૉક્ટર નટવરદાન બનેસિંહ ગઢવી નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી અને દેશી ગૌપાલન દ્વારા જીવનનો નવો પ્રેરણાદાયક અધ્યાય લખી રહ્યા છે. વેટેનરી ક્ષેત્રમાં લાંબા સમય સુધી સેવા આપનાર ડૉ. ગઢવી ગુજરાત સરકારમાં ડેપ્યુટી ડિરેક્ટર (પશુપાલન) તરીકે કાર્યરત રહ્યા હતા અને વર્ષ 2015માં નિવૃત્ત થયા હતા.
નિવૃત્તિ બાદ પ્રકૃતિ પ્રત્યેનો ઝુકાવ વધતાં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. ગૌમૂત્ર અને છાણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશી ગાયોના પાલનની શરૂઆત કરી. શરૂઆતમાં એક કાંકરેજી અને પાંચ ગીર ગાયો સાથે શરૂ કરેલું પશુપાલન આજે 21 જેટલા પશુઓ સુધી વિસ્તર્યું છે. તેમના તબેલામાં આધુનિક સુવિધાઓ સાથે ગાયોની યોગ્ય સંભાળ રાખવામાં આવે છે.
પશુપાલન વિભાગ તરફથી તેમને તબેલા નિર્માણ માટે રૂ. 2,25,000 ની સહાય મળી છે, ફોગર સિસ્ટમ માટે રૂ. 10,800 ની સહાય તથા વીમા સહાયનો પણ 90 ટકા લાભ મળ્યો છે. હાલમાં છ ગાયો ગાભણ હોવા છતાં દરરોજ આશરે 40 થી 45 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તેમાંના અડધા દૂધનું ડેરીમાં જમા કરાવવામાં આવે છે અને બાકી દૂધનું રિટેલ વેચાણ મહેસાણા શહેરમાં રૂ. 80 પ્રતિ લિટર ના ભાવે થાય છે.
માત્ર રિટેલ દૂધ વેચાણથી જ તેમને માસિક રૂ. 26,000 જેટલી આવક થાય છે. દૂધ ઉપરાંત ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરીને તેઓ પોતાની અઢી વીઘા જમીનમાં રાસાયણિક ખાતર વગરની પ્રાકૃતિક બાગાયત ખેતી કરે છે.
ડૉ. ગઢવી જણાવે છે કે દેશી ગૌપાલનથી શુદ્ધ દૂધ-ઘી મળે છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ખેડૂત આત્મનિર્ભર બને છે. તેમની આ નવી સફર એ જીવંત ઉદાહરણ છે કે નિવૃત્તિ કોઈ અંત નથી — પરંતુ નવા પ્રેરણાદાયક અધ્યાયની શરૂઆત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR