
નવસારી, 8 નવેમ્બર (હિ.સ.)- નવસારીમાં રિયલમી મોબાઈલના ડિસ્ટ્રીબ્યુટરને જ તેના સેલ્સમેન દ્વારા છેતરપિંડી કરાયાની ઘટના સામે આવી છે. 7.26 લાખ રૂપિયાના ગબનના આ કેસમાં નવસારી એલસીબીએ ભેંસતખાડા વિસ્તારમાંથી આરોપી જેકી લક્ષ્મણભાઈ ધનવાણીને ઝડપી પાડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે જેકીએ નકલી બિલ બનાવી ‘હેપ્પી મોબાઈલ’ નામની દુકાનના ખાતામાં 56 સ્માર્ટફોન દાખલ કર્યા, પરંતુ વાસ્તવમાં તે મોંઘા ફોન પોતાની પાસે જ રાખી લીધા હતા.
ફરિયાદાણું મુજબ, રામચંદ્ર દાસભાઈ બુધાણી—જેઓ 2008થી ‘શ્યામ સેલ્યુલર’ નામે નવસારી અને ડાંગ-આહવા વિસ્તારમાં રિયલમીનો ડિસ્ટ્રીબ્યુશન સંભાળી રહ્યા છે—તેમણે પોતાના વિશ્વાસુ સેલ્સમેન જેકી પર ફરિયાદ નોંધાવી. જેકી દોઢ વર્ષથી તેમની પાસે કામ કરતો હતો અને ધીમે ધીમે વિશ્વાસ જીત્યા બાદ આ ગેરરીતિ અમલમાં મૂકી. સામાન્ય રીતે દુકાનદારોને દર અઠવાડિયે એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલવામાં આવે છે, પરંતુ જેકીએ આ પ્રક્રિયા ટાળી ને ‘હેપ્પી મોબાઈલ’ નામની દુકાનના નામે બોગસ બિલ બનાવી ઘણા રિયલમી 15T 5G મોડલના ફોન મેળવી ગયા. એલસીબીએ પૂછપરછ શરૂ કરતા જ નકલી બિલિંગનો મામલો સામે આવ્યો.
પોલીસે જેકીને પકડી પાડતી વખતે તેની પાસે 18 મોબાઈલ ફોન મળ્યા હતા. બાકી ફોન તેણે સુરતમાં એક વ્યક્તિને વેચી દીધાની કબૂલાત કરી છે. પોલીસે રિમાન્ડ મેળવી વધુ લોકો સંકળાયેલા છે કે નહીં, તેની તપાસ શરૂ કરી છે.
ફરિયાદી બુધાણીએ જણાવ્યુ કે, “જેકીએ વિશ્વાસનો નાજાયજ ફાયદો લીધો. ઓર્ડર લેવા ગયો, માલ લઈ આવ્યો, પરંતુ તેની ચુકવણી નહિ કરી. વિશ્વાસ તોડી અમારી સાથે સીધી છેતરપિંડી કરવામાં આવી.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે