
અમરેલી,8 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારે કમોસમી વરસાદ અને પાક નુકસાન બાદ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ આ પેકેજ જાહેર થતાં જ રાજ્યમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. ખેડૂતોમાં તો પહેલેથી અસંતોષ હતો, હવે ભાજપના જ કાર્યકર્તાઓ અને હોદેદારો પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાજપની અંદર અસંતોષના સ્વર ઉઠવા લાગ્યા છે — અને આ અસંતોષનું પહેલું મોટું ઉદાહરણ બન્યું છે અમરેલી જિલ્લાનું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અને હાલના સક્રિય કાર્યકર ચેતન માલાણીએ સરકારના પેકેજ વિરુદ્ધમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે અને પોતાનું રાજીનામું જાહેર કર્યું છે. ચેતન માલાણીએ જણાવ્યું કે, “સરકારએ ખેડૂત સાથે રમત કરી છે. આ પેકેજ ખેડૂતને મદદરૂપ બનવાને બદલે, એને વધુ રડવા માટે મજબૂર કરે છે. પાક બરબાદ થયો છે, પરંતુ સહાય એટલી ઓછી છે કે એ ફક્ત બિયારણનો ખર્ચ પણ પુરો ન કરે.”
માલાણીએ વધુમાં કહ્યું કે, “ખેડૂત માટે આ પેકેજ કોઈ રાહત નથી. ખેડૂતનું આખું વાવેતર — ખેડ, ખાતર, પાણી, દવા, બિયારણ, મજૂરી અને મહેનત – બધું પાણીમાં ગયું છે. પરંતુ સરકારના આંકડાઓમાં એનું પ્રતિબિંબ દેખાતું નથી. આ તો ખેડૂતોની મહેનત પર મશ્કરી છે.”
ચેતન માલાણીના આ નિવેદન અને રાજીનામા સાથે સૌરાષ્ટ્રમાં ભાજપ માટે નવી રાજકીય ચિંતા ઉભી થઈ છે. કારણ કે સૌરાષ્ટ્ર હંમેશા ભાજપનું મજબૂત ગઢ માનવામાં આવ્યું છે, અને અહીંના ખેડૂતવર્ગ સાથે પક્ષનો લાંબો સંબંધ રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોમાં અસંતોષ વધતો ગયો છે. પાકનું નુકસાન, યોગ્ય ભાવ ન મળવો અને સરકારી વળતર અપૂરતું હોવાને કારણે આ રોષ હવે પક્ષની અંદર પણ દેખાઈ રહ્યો છે.
રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે ચેતન માલાણીનું રાજીનામું “પ્રથમ ચેતવણી” છે. જો સરકાર સમયસર ખેડૂતોના હિતમાં નીતિમાં ફેરફાર નહીં કરે, તો સૌરાષ્ટ્રમાંથી વધુ રાજીનામા અને વિખવાદની લહેર ઊઠી શકે છે.
આ પેકેજ ભાજપ માટે રાજકીય રીતે પણ વિપરીત સાબિત થઈ શકે છે. ખેડૂતોના પ્રશ્નો હવે માત્ર ગામડાં સુધી મર્યાદિત નથી, પરંતુ પક્ષના કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા છે. ચેતન માલાણીનું રાજીનામું એ જ બતાવે છે કે ખેડૂતોની વેદના હવે પક્ષની આંતરિક ગેલેરીઓમાં ગુંજવા લાગી છે — અને આ લહેર સૌરાષ્ટ્રમાં રાજકારણનું ચિત્ર બદલી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai