
પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટની પ્રથમ બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નવા યુનિવર્સિટી એક્ટ હેઠળ યોજાયેલી આ પ્રથમ બેઠકમાં આગામી 8, 9 અને 10 જાન્યુઆરી, 2026 દરમિયાન યુનિવર્સિટી યુવક મહોત્સવ (યુથ ફેસ્ટિવલ) યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં વિદ્યાર્થીઓ માટેની વિવિધ સાંસ્કૃતિક અને સાહસિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એડવેન્ચર, ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે આ વર્ષથી છોકરા અને છોકરીઓ માટે બે-બે બેઝિક કેમ્પ યોજાશે. જે કોલેજોએ કલ્ચરલ ફી ભરી ન હોય, તેઓ ફી ભર્યા બાદ ભાગ લઈ શકશે.
યુનિવર્સિટી દ્વારા કુલ 13 કોલેજોને શિબિરો ફાળવવામાં આવશે, જે ‘સ્વનિર્ભર અને સ્વાવલંબન ભારત’ થીમ પર આધારિત રહેશે. યુનિવર્સિટીના સંલગ્ન છ જિલ્લાઓમાં દરેક જિલ્લામાં એક શિબિર યોજાશે. ઉપરાંત, યુવાનોમાં સ્વાભિમાન, સમરસતા, પર્યાવરણ અને કુટુંબવ્યવસ્થા જેવા મૂલ્યો અંગે જાગૃતિ લાવવા શેરી નાટકો દ્વારા સમાજ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. તાલીમપામેલી ટીમો કોલેજોમાં નવી ટીમો તૈયાર કરીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાટકો રજૂ કરશે.
યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શિબિરો ઉપરાંત વર્ષમાં ત્રણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરાશે, જેમાં મોટીવેશનલ સ્પીકરો દ્વારા યુવાનોને પ્રેરણા અને નવી દિશા આપવા પ્રયાસ થશે. આ પ્રથમ બેઠકમાં કુલપતિ ડો. કે.સી. પોરીયા, કમિટીના મેમ્બર સેક્રેટરી, યુનિવર્સિટી કોઓર્ડિનેટર અને નોમિનેટેડ ચાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ