

મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) વિસનગર તાલુકા પોલીસે બાતમીના આધારે ભાલક ગામે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 1.73 લાખનો વિદેશી દારૂ કબજે લઈ ફરાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, ભાલક ગામે રહેતો પઠાણ ઈરફાનખાન ઉર્ફે ચોટી અમન ઉલ્લાખાન એ ભાલક ગામે ઈદગાહ પાછળ પોશાકાર સોસાયટી નજીક આવેલા ખરાબામાં પોતાની માલિકીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડે છે.જે બાતમીના આધારે, ઘટનાસ્થળે જઈ રેડ કરી હતી. પોલીસ ટીમે જ્યારે ઓરડી નજીક પહોંચી ત્યારે આરોપી પઠાણ ઈરફાનખાન ઉર્ફે ચોટી અમન ઉલ્લાખાન હાજર હતો, પરંતુ પોલીસની રેઈડ જોઈને તે અંધારાનો લાભ લઈને ખરાબામાંથી ભાગી ગયો હતો. પોલીસે ઓરડીની તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 1392 તેમજ બિયર ટીન નંગ 216 મળી કુલ 1,73,400 નો મુદામાલ કબજે લઈ ફરાર પઠાણ ઈરફાનખાન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR