ગોલ્ડન વિમેન: સાવરકુંડલાની ડો. માલવિકા જોશી 70+ વયજૂથમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતતા સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું
અમરેલી,8 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલાની નિવૃત્ત મહિલા પ્રોફેસર ડો. માલવિકા કાંતિલાલ જોશીએ 70 વર્ષથી વધુ વયમાં અદભૂત સિદ્ધિ મેળવી છે. સાપુતારા ખાતે નવેમ્બરના આરંભમાં યોજાયેલી 10મી ગુજરાત રાજ્ય માસ્ટર ખેલકૂદ ચેમ્પિયનશિપમાં તેમણે 70+
ગોલ્ડન વિમેન: સાવરકુંડલાની ડો. માલવિકા જોશી 70+ વયજૂથમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતતા સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું


અમરેલી,8 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલાની નિવૃત્ત મહિલા પ્રોફેસર ડો. માલવિકા કાંતિલાલ જોશીએ 70 વર્ષથી વધુ વયમાં અદભૂત સિદ્ધિ મેળવી છે. સાપુતારા ખાતે નવેમ્બરના આરંભમાં યોજાયેલી 10મી ગુજરાત રાજ્ય માસ્ટર ખેલકૂદ ચેમ્પિયનશિપમાં તેમણે 70+ વયજૂથમાં ભાગ લઈ ગોળાફેંક, ચક્રફેક અને હેમર થ્રો જેવી ત્રણ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ડો. માલવિકા જોશી, જે સાવરકુંડલાની વીડી ઘેલાણી મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી નિવૃત્ત થઈ છે, તેમણે આ સિદ્ધિથી માત્ર પોતાના પરિવાર નહીં, પણ સમગ્ર શહેરનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ કર્યું છે. વયની મર્યાદાને પડકાર આપતી તેમની આ ઉપલબ્ધિ દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે.

તેમણે પોતાના અનુભવો જણાવતા કહ્યું કે આ સિદ્ધિ પાછળ સતત કસરત, નિયમિત જીવનશૈલી અને આત્મવિશ્વાસનું મહત્વ છે. “ઉંમર ફક્ત આંકડો છે, જો મનમાં હિમ્મત અને જુસ્સો હોય તો કંઈ અશક્ય નથી,” તેમ ડો. જોશીએ જણાવ્યું.

સાપુતારાની આ માસ્ટર ચેમ્પિયનશિપમાં સમગ્ર ગુજરાતમાંથી વરિષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ડો. માલવિકા જોશીનું પ્રદર્શન સૌથી વધુ ચમક્યું. તેમના ત્રણેય ગોલ્ડ મેડલ તેમની ખેલ પ્રતિભા, સંકલ્પ અને જિજ્ઞાસાનો જીવંત પુરાવો છે.

ડો. માલવિકા જોશીની આ સિદ્ધિ સાવરકુંડલાના નાગરિકો માટે ગર્વની બાબત બની છે. શહેરના લોકો અને શૈક્ષણિક વર્ગે તેમની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમણે સાબિત કર્યું છે કે વયના અંતિમ પડાવમાં પણ નવી સિદ્ધિઓ મેળવી શકાય છે.

ડો. જોશીની આ જીત માત્ર મેડલ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજને પ્રેરણા આપે છે કે સ્વાસ્થ્ય, સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે જીવનના દરેક તબક્કામાં સફળતા મેળવી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande